વજન ઘટાડવું એ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે પડકારરૂપ છે, અને એમાં પણ અત્યારના સમયમાં ઘરમાં રહીને કામ કરવાના કારણે વજન ઘટાડવું પડકાર બની ગયો છે. સામાન્ય રીતે પોતાના રોજિંદા જીવનમાં વ્યાયામ અને સ્વસ્થ આહારને સામેલ કરવામાં આવે તો વજન ઘટાડવું શક્ય બને છે. પરંતુ દરેક વ્યક્તિ માટે એ દિનચર્યાને પાળવી સરળ હોતી નથી. પરંતુ જો તમે અમુક ઉપાયને નિયમિત રીતે આપનાવો તો ચોક્કસ પરિણામ મળે છે.
હા, વજન ઉતારવા માટે વરિયાળી મદદરૂપ બની શકે છે, અને આ એક સરળ ઉપાય પણ છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, વરિયાળી એ દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી રહે છે.
વરિયાળીની સુગંધ અને સ્વાદના કારણે એને અથાણા અને ચટણીમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત માઉથફ્રેશનર તરીકે વપરાય છે. મોટાભાગે એને જમ્યા બાદ ખાવામાં આવે છે. વરિયાળી ખાવાના અનેકગણા ફાયદા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વરિયાળી એ એક એવું સુપરફૂડ છે, જેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે. વરિયાળીએ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને પાચનક્રિયાને સુધારે છે. ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.
જો તમેં વજન ઘટાડવા માંગતા હોવ તો એનો ઉપયોગ અને એની રીત જાણવી જરૂરી છે. એના માટે તમે આહારમાં વરિયાળીનો સમાવેશ કરી શકો છો. માટે આજે અમે એનું સેવન કરવાની રીત તમને જણાવીશું.
1. શેકેલી વરિયાળી –વજન ઘટાડવા માટે શેકેલી વરિયાળી પણ ખૂબ ફાયદાકારક છે. એના માટે એક મોટી ચમચી વરિયાળીને શેકીને લેવી. શેકાઈ ગયા બાદ તેમાં સાકર ઉમેરી શકાય છે. શેકેલી વરિયાળીનો રોજ નિયમિત સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે.
2. પાવડર બનાવીને લઈ શકો છો-એના માટે એક મુઠ્ઠી વરિયાળીને પીસીને પાવડર બનાવી લેવો. આ પાવડરનો ઉપયોગ તમે ચૂર્ણ બનાવવામાં પણ કરી શકો છો. જો તમે ઈચ્છો તો એમાં મેથીદાણા, મરી પાવડર, હિંગ, સાકરને મિક્સ કરી શકો છો. આ મિશ્રણનું રોજ નિયમિત સેવન કરવામાં આવે તો વજન ઘટે છે. સાથે પાચનતંત્ર સારું બને છે.
3. વરિયાળીની ચાનું સેવન-તમને સાંભળીને નવાઇ લાગશે. પરંતુ વરીયાળીની ચા વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. મહત્વની વાત એ છે કે એને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. ઉપરાંત ખૂબ ઓછા સમયમાં એની અસર જોવા મળે છે. એના માટે દરરોજ નિયમિત વરિયાળીની ચાનું સેવન કરવું જોઈએ. એ માટે ઉકળતાં પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને થોડીવાર ઉકાળવું. વળી સાથે એમાં એક ચમચી ગોળ પણ એડ કરવો. એને સવારે અથવા સાંજે પીવી જોઈએ.