તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં હાલમાં તહેવારોની સીઝન આવી રહી છે. 30મી તારીખે જન્માષ્ટમી આવી રહી છે. જેને પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે.
CMની હાજરીમાં કોર કમિટિની બેઠકમાં લેવામાં લેવામાં આવેલા નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે 30 ઓગષ્ટના રોજ રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 1 વાગ્યાથી શરૂ થશે. જેને પગલે લોકો કાન્હાનો જન્મદિવસ રાત્રે 12 વાગ્યે ઉજવી શકે.
આ ઉપરાંત સરકાર દ્વારા મંદિર પરિસરમાં ભક્તોને દર્શન કરવાની પણ છુટ આપવામાં આવી છે. જો કે આ વર્ષે મટકી ફોડ અને લોકમેળા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો કે ગાઈડલાઈન પ્રમાણે મંદિરમાં દર્શન કરતી વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત જાળવાનું કહેવામાં આવ્યું છે.
જન્માષ્ટમી નીમિતે રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવતા કૃષ્ણભક્તોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ મંદિરમાં 200 લોકો એકત્ર થઈને શોભાયાત્રા પણ કાઢી શકશે.
આ ઉપરાંત રાજ્ય સરકારે ગણેશોત્સવને લઈને પણ અલગથી જ પૂર્વ તૈયારી સ્વરૂપે ગાઈડલાઈન જાહેર કરી છે. રાજ્ય સરકાર જણાવ્યા પ્રમાણે ગણેશોત્સવમાં 4 ફૂટની પ્રતિમાની સ્થાપના થઈ શકશે જ્યારે ઘરમાં 2 ફૂટની પ્રતિમા સ્થાપી શકાશે.
જેમા 9થી 19 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ 12 વાગ્યાથી અમલી થશે. આ ઉપરાંત ગણેશોત્સવમાં પૂજા, આરતી અને પ્રસાદ જેવી બાબતોની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગણેશ સ્થાપન અને વિસર્જનમાં 15 જેટલા લોકોને ભેગા થવાની પણ છૂટ આપી દેવાઈ છે.