આ ચમત્કારી મંદિરમાં તેલ વગર જ હંમેશાં પ્રજ્વલિત રહે છે જ્વાળા, જાણો મંદિરનું મહત્વ અને આ ચમત્કાર પાછળનું કારણ..

ધાર્મિક

જ્વાળાદેવીનું મંદિર ૫૧શક્તિપીઠમાંથી એક છે. આ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની કાલીધાર પહાડીની વચ્ચે આવેલું છે. શક્તિપીઠ સ્થળ છે કે જ્યાં માતા સતીના અંગ પડયાં હતાં. શાસ્ત્રો અનુસાર જ્વાલા દેવીમાં સતીની જીભ પડી હતી. એવું માનવામાં આવે છે કે બધા જ શક્તિપીઠોમાં માતા ભગવાન શિવ સાથે હંમેશાં નિવાસ કરે છે.

શક્તિપીઠમાં માતાની આરાધના કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. જ્વાળામુખી મંદિરને જ્યોતવાળીનું મંદિર અને નગરકોટવાળી નું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરના શિખર ઉપર સોનાની પરત ચઢાવેલી છે. આ મંદિરોમાં મૂર્તિ નથી પણ જ્યોત જ માતાના રૂપમાં છે તેમ માનીને મંદિરના ગર્ભગૃહમાં જ્વાલામાતાના સ્વરૂપને પૂજવામાં આવે છે.

આ મંદિરોને શોધવાનો શ્રેય પાંડવોને જાય છે. તે મંદિરનું પ્રાથમિક નિર્માંણ રાજા ભૂમિચંદે કરાવ્યું હતુ. તે પછી મહારાજા રણજીત સિંહ અને રાજા સંસારચંદએ ૧૮૩૫માં આ મંદિરનું પુર્ણ નિર્માણ કરાવ્યું હતું.

જ્વાળા સ્વરૂપમાં માતા :- જ્વાળાદેવી મંદિરમાં વર્ષોથી તેલ અને દિવેટ વગર પ્રાકૃતિક રૂપે જ્યોત પ્રજ્વલિત રહી છે. નવ જ્વાળાઓમાં પ્રમુખ જ્વાળા માતા કે જે ચાંદીના દીવામાં સ્થિત છે તેને મહાકાળી તરીકે ઓળખવામાં આવે છે. અન્ય આઠ જ્વાળાઓના રૂપમાં મહાલક્ષ્મી, સરસ્વતિ, અન્નપૂર્ણા, વિધ્યવાસિની, ચંડી, હિંગળાજ, સરસ્વતિ, અમ્બિકા તેમજ અંજીદેવી જ્વાળા દેવીના મંદિરમાં નિવાસ કરે છે.

જ્વાળામુખી મંદિરનો ઇતિહાસ :- જ્વાળામુખી મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે આ સ્થળને પહેલી વાર એક ગોવાળિયાએ જોયું હતું. તે પોતાની ગાયનો પીછો કરતા આ સ્થળ પર પહોંચ્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે તે તેની ગાય દૂધ આપતી નહતી તેણે પીછો કરતા જોયુ કે ગાય પોતાનું બધું જ દૂધ પવિત્ર જ્વાળામુખીમાં એક દિવ્ય કન્યાને પીવડાવી દે છે.

તેણે આ દ્રશ્ય પોતાની નરી આંખે જોયું અને પછી આ દ્રશ્ય રાજા પાસે જઇને કહ્યું અને તેણે રાજાને પણ આ સ્થળ બતાવ્યું. રાજાએ સત્યની જાણકારી માટે પોતાના સૈનિકોને એ સ્થળ પર મોકલી આપ્યા. સૈનિકોએ પણ આ જ દ્રશ્ય જોયું અને આ બધી જ વાત તેમણે રાજાને જણાવી. સત્યની જાણ થઇ એટલે પછી રાજાએ આ સ્થળ પર મંદિરનું નિર્માણ કરાવ્યું.

શા માટે હંમેશાં પ્રજ્વલિત રહે છે જ્વાળા? :- એક કથા અનુસાર પ્રાચીનકાળમાં ગોરખનાથ એ માતાના અનન્ય ભક્ત હતા. જે માતાની ખૂબ જ સેવા-ચાકરી કરતા હતા. એકવાર ગોરખનાથને ભૂખ લાગી હતી તો તેમણે માતાને કહ્યું કે આપ આગ પ્રગટાવો અને પાણી ગરમ કરો, હું ભિક્ષા માગીને આવું. માતાજીએ કહ્યા પ્રમાણે આગ પ્રગટાવીને પાણી ગરમ કર્યું અને ગોરખનાથની રાહ જોવા લાગ્યા પણ ગોરખનાથ આવ્યા નહિ.

તેથી માતા આજે પણ જ્વાળા પ્રગટાવીને પોતાના ભક્તની રાહ જોઇ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કળીયુગનો અંત આવશે અને સતયુગની શરૂઆત થઇ જશે ત્યારે ગોરખનાથ માતા પાસે પાછા આવશે. ત્યાં સુધી આ અગ્નિ આ જ રીતે પ્રજ્વલિત રહેશે. આ જ્યોતને આગ અને ઘીની જરૂર પડતી નથી.

ચમત્કારીક ગોરખ ડબ્બી :- જ્વાળાદેવી શક્તિપીઠમાં માતાની જ્વાળા સિવાય એક અન્ય ચમત્કાર પણ જોવા મળે છે. આને ગોરખનાથનું મંદિર પણ કહેવામાં આવે છે. મંદિર પરિસરની બાજુમાં એક જગ્યા એવી છે જેને “ગોરખ ડબ્બી” કહે છે. જોવામાં તો એમ લાગે કે જાણે તેમાંનું પાણી ગરમ ઉકળતુ છે પણ જ્યારે તેનો સ્પર્શ કરવામાં આવે તો તે કુંડના ઠંડા પાણી જેવું જ લાગે છે.

મુખ્ય આકર્ષણ :- મંદિરમાં આરતી સમયે અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. મંદિરમાં દિવસ માં પાંચ વાર આરતી કરવામાં આવે છે. એક તો સૂર્યોદયની સાથે કરવામાં આવે છે. બીજી બપોરના સમય પર કરવામાં આવે છે.

તેમજ આરતીની સાથે સાથે માતાને ભોગ પણ ધરાવવામાં આવે છે. ત્યારબાદ સંધ્યા સમયે અને રાત્રિના સમયે આરતી કરવામાં આવે છે. રાત્રિના સમયે દેવીની શયન શય્યા તૈયાર કરવામાં આવે છે. આ શય્યા ફૂલો અને સુગંધિત સામગ્રીઓથી તૈયાર કરવામાં આવે છે.