હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા બે દિવસથી સુરતમાં વરસાદ માહોલ જામ્યો છે. સુરતમાં છેલ્લા બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વેસુ વિસ્તારના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઈ ગઈ છે. જેથી જાણે રસ્તાઓ જ ગાયબ થઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયો છે.

સુરતના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ચડી ગયેલા જોવા મળ્યા હતાં. વિશેષ કરીને વરાછા, પાલનપુર જકાતનાકા, કતારગામ, પર્વત પાટિયા, રીંગ રોડ, ડિંડોલી, પાલ, અડાજણ, વેસુ સહિતના વિવિધ વિસ્તારો બેટ માં ફેરવાયા હતા. આ કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.

સુરતમાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ની કૃપા રહી છે. શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા વાદળો વચ્ચે ગાજવીજ સાથે વરસાદ ચાલુ જ છે. સવારથી અત્યાર સુધીમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે બપોરે 12થી 2 વાગ્યા એટલે કે બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ચાલુ થઈ ગયા છે.

સુરતની તાપી નદી બંને કાઠે વહી રહી છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે. જેથી 17 હજાર ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે.