શુગરના દર્દીઓને બ્લેક ફંગશના જોખમને ઘટાડવા માટે રાખવી જોઈએ આટલી સાવધાની..

સ્વાસ્થ્ય

ભારત જ નહીં આખા વિશ્વમાં કોવિડના ફેલાતા સંક્રમણની વચ્ચે એક નવી બીમારી ફાટી નીકળી છે. કોવિડ સંક્રમણથી સાજા થયેલા દર્દીઓ હવે બ્લેક ફંગસનો ભોગ બની રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે ફંગલ સંક્રમણ અને મ્યુકોરમાઇકોસીસનું પણ જોખમ વધી રહ્યું છે.

કેટલાક રાજ્યોમાં બ્લેક ફંગસના અનેક કેસ સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં બ્લેક ફંગસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. આ સંક્રમણને કારણે લોકોની આંખોની રોશની જવાનું પણ જોખમ છે.

જે ખૂબ જ ગંભીર વાત છે. ICMRના પૂર્વ કન્સલ્ટન્ટ અને હેમેટોલોજિસ્ટ ડૉક્ટર વી.કે. ભારદ્વાજના કહ્યા પ્રમાણે, કોવિડ પછી લોકોની બોડીમાં વ્હાઈટ બ્લડ સેલ્સ ઘટવા લાગે છે, કેમ કે કોઈપણ વાયરસ સૌથી પહેલા વ્હાઈટ બ્લડ સેલ્સ પર જ હુમલો કરે છે. તેથી ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે.

આવી સ્થિતિમાં જો દર્દીને ડાયાબિટીસ હોય તો તેને બ્લેક ફંગસનું જોખમ ચોક્કસ પણે વધારે રહે છે, પરંતુ બિવાની જરૂર નથી, ફક્ત થોડી સાવચેતી રાખવાની જરૂરી છે. માથામાં દુખાવો, આંખમાં એક તરફ સોજો, નાક બંધ થવું અને એક બાજુનો ચહેરો સુન્ન થઈ જવો આના મુખ્ય લક્ષણો છે.

એવા લોકોએ સાફ-સફાઈ અને સૌથી વધુ નાકની સફાઈ પર ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે મોટા ભાગે શ્વાસ દ્વારા વાતાવરણમાં રહેલા ફંગસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે.

જો શરીરમાં કોઈપણ પ્રકારનો ઘા હોય અથવા શરીરનો કોઈ ભાગ દાઝી ગયો હોય તો ત્યાંથી આ ઈન્ફેક્શન શરીરમાં ફેલાઈ શકે છે. જો પ્રારંભિક તબક્કામાં ડિટેક્ટ ન કરવામાં આવે તો આંખોની રોશની પણ જઈ શકે છે.

જે લોકોને ડાયાબિટીસ હોય છે કે જે સ્ટેરોઈડ લઈ રહ્યા છે અને તેમને આ લક્ષણો જોવા મળે તો તેમણે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરીને ટેસ્ટ કરાવવો જોઈએ. જાણો ડૉ. ભારદ્વાજે બ્લેક ફંગસથી બચવા માટે સાવચેતી રાખવા શું કહ્યું છે અને કેવું ડાયટ લેવા માટે કહ્યું છે.

ડૉ. ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે, કોવિડ પછી મજબૂત ઈમ્યુનિટી માટે હાઇ પ્રોટીન ડાયટની ચોક્કસ પણે જરૂર હોય છે, તેથી તમારા ડાયટમાં ઈંડાં, દૂધ, કોળાનાં બી, પનીર, મગફળી, જામફળ, મસૂરની દાળ, કાજુ, બદામ, અખરોટ, લીલાં શાકભાજીમાં વટાણા, પાલક, કોબી, ભીંડા, બીટ, મશરૂમ, બીન્સ અને ચિકનને સામેલ કરો.

એ ઉપરાંત તમારા ડાયટમાં વિટામિન C, મેગ્નેશિયમ, અને ઝિંકથી ભરપૂર વસ્તુઓની સાથે શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે.