શરીર માટે ગુણકારી બિલા છે પેટ માટે વરદાનરૂપ, બીલીના ફળનો રસ પીવાથી થાય છે ઘણી બીમારીઓ દુર

સ્વાસ્થ્ય

ઘરમાં બીલીનું વૃક્ષ લગાવવાના ફાયદાનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તેમાં આવતાં બીલીપત્ર શિવજીને અતિપ્રિય હોય છે. જે સ્થાને આ છોડ કે વૃક્ષ લગાવેલો હોય છે તે સ્થળ કાશી તીર્થની જેમ પવિત્ર અને પૂજનીય સ્થળ હોય છે. આવી જગ્યા કે ઘર તમામ પ્રકારના તંત્ર બાધાઓથી મુક્ત થાય છે.

જણાવી દઈએ કે બીલીના વૃક્ષમાં આવતું ફળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આયુર્વેદમાં બીલાના અનેક ગુણો વર્ણવવામાં આવ્યા છે. ખાસ કરીને પેટ માટે તેને વરદાન રૂપ ગણવામાં આવે છે. જે વ્યક્તિને હરસની તકલીફ હોય, પેટની ગરમી હોય કે પાચનની તકલીફ હોય તેમના માટે આ ફળ શ્રેષ્ઠ ઔષધ સાબિત થાય છે. બીલીના ફળનો રસ પીવાથી શરીર ડિહાઇડ્રેટ નથી થતું.

બીલીના ફળનાં ફાયદા  

બીલામાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઇડ્રેટ અને ઝિંકની સારી માત્રા હોય છે, જે શરીર માટે ગુણકારી છે. બીલામાં રહેલું વિટામિન સી અને ટેનિન તેના મહત્ત્વને વધારે છે. બીલાનો ૮૪% ભાગ પાણીનો ભરેલો હોય છે, જે શરીરને ડિહાઇડ્રેટ થતારોકે છે. જે વ્યક્તિને ડિહાઇડ્રેશનને કારણે, ડાયેરિયાને કારણે નબળાઇ આવી ગઇ હોય, શરીરનું પાણી ઘટી ગયું હોય તે લોકો જો બીલાનો રસ પીવે તો તરત ફેર દેખાય છે તેમજ શરીરમાંથી વહી ગયેલું પાણીનું લેવલ સરભર થાય છે.

જે વ્યક્તિને કમળો કે ટાઇફોઇડ થયો હોય તેઓ બીલાનો રસ પી શકે છે. તે પેટની બળતરાને શાંત પાડે છે. આ ફળની વિશેષતા એ છે કે તેનો ટેસ્ટ સારો હોવાની સાથે સાથે તે પચવામાં ખૂબ જ સરળ છે. તેના આ ગુણને જોઇને જ બીમારીમાં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે.

જે વ્યક્તિને રોજ પેટની બળતરાની સમસ્યા હોય, રોજ એસિડિટી કે અપચાથી પીડાતી હોય તેઓ માટે બીલાનો રસ વરદાનસમાન માનવામાં આવે છે. તેનામાં રહેલાં પોષકતત્ત્વો આ સમસ્યાને દૂર કરે છે. વધારે પડતી ઊલટી થતી હોય તો તેમાં પણ આ ફળ ખાવાથી કે તેનો રસ પીવાથી રાહત મળે છે. તેના આટલા ગુણોને કારણે જ બીલાને પેટ માટે વરદાન રૂપ કહેવામાં આવ્યું છે.

આયુર્વેદમાં લોહીને શુદ્ધ કરવા માટે પણ આ ફળનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. જેને લોહીવિકાર હોય અને તેને કારણે ચામડીને લગતી સમસ્યા સતાવતી હોય તો ૫૦ મિલીગ્રામ બીલાના રસને ગરમ પાણી અને ખાંડમાં મિક્સ કરીને સવાર-સાંજ તેનું સેવન કરવું.

તેનાથી લોહી શુદ્ધ થશે સાથે સાથે જેને ખરજવાની, કરોળિયાની તકલીફ હોય તે પણ દૂર થશે. નાનાં બાળકોને ચામડીમાં ચળ કે કરોળિયા ખૂબ થતા હોય છે, તેમને બીલાનો રસ પીવડાવવો જોઇએ.