આ મહાન ગ્રંથોની રચના સ્વયં માયાવી રાવણે કરી હતી, જાણો આ રસપ્રદ માહિતી…

જાણવા જેવું

રાવણનું નામ આવતાંની સાથે જ મનમાં ક્રોધની લાગણી જન્મે છે. માતા સીતાનું હરણ કરનાર રાવણ વિશ્રવાનો પુત્ર હતો. પૌરાણિક ગ્રંથો અનુસાર ઋષિ પુલસ્ત્ય જગત પિતા બ્રહ્માના પુત્ર હતા અને તેમનો પુત્ર હતા વિશ્રવા. જેમની પહેલી પત્ની મહર્ષિ ભારદ્વાજની પુત્રીના ગર્ભથી ધનના દેવતા કુબેરનો જન્મ થયો હતો અને બીજી પત્ની એટલે કે રાક્ષસરાજ સુમાલીની દીકરી કૈકસીના ગર્ભથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણનો જન્મ થયો હતો.

રાવણ તેના કર્મોના કારણે કુખ્યાત થયો પરંતુ તે સમયમાં તે પ્રકાંડ પંડિત હતો. તે સારો વૈજ્ઞાનિક પણ હતો. રાવણ પાસે અસીમ જ્ઞાન હતું આ જ્ઞાનના કારણે તેણે ઈંદ્રજાલ જેવી અથર્વવેદ મૂલક વિદ્યાની શોધ કરી હતી. રાવણ પાસે સુષેણ જેવા વૈદ્ય હતા જે જીવનરક્ષક ઔષધિઓ બનાવતા હતા.

રાવણ વિશે રામાયણમાં જ નહીં પરંતુ પદ્મપુરાણ, કૂર્મપુરાણ, મહાભારત, દશાવતારચરિત વગેરે ગ્રંથોમાં પણ વર્ણન કરાયું છે. રાવણ ભગવાન શંકરના પરમ ભક્ત હતા અને તેઓ વાસ્તુકલા, યુદ્ધનીતિ અને રાજનીતિના કૂશળ જાણકાર હતા. રાવણ માયાવી હતો પરંતુ તેણે અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું હતું. કયા કયા છે આ શાસ્ત્રો જાણી લો આજે તમે પણ રાવણની પ્રભાવશાળી રચનાઓ

શિવ તાંડવ :- શિવ તાંડવની રચના રાવણએ કરી હતી. આ રચના સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. અભિમાનથી ચકચૂર રાવણએ કૈલાશ પર્વત ઉઠાવી તેને લંકા લઈ જવા નીકળ્યો. પરંતુ ભગવાને રાવણનું અભિમાન તોડવા માટે પોતાના અંગૂઠાથી કૈલાસ પર વજન વધાર્યું.

રાવણ તેની નીચે દબાઈ ગયો. રાવણએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે પર્વત નીચેથી નીકળી ન શક્યો… ત્યારે તેને પોતાની ભુલનું ભાન થયું અને તેણે શિવ તાંડવ ગાવાનું શરૂ કર્યું. આ શિવ તાંડવથી પ્રભુ પ્રસન્ન થયા અને તેને માફ કરી મુક્ત કર્યો. ત્યારથી શિવ આરાધના કરવામાં રાવણ રચિત સ્તોત્રનું મહત્વ સૌથી વધારે છે.

અરુણ સંહિતા :- કહેવાય છે કે સંસ્ક઼ૃતના આ મૂળ ગ્રંથનું અનુવાદ અનેક ભાષામાં કરાયું છે. માન્યતા છે કે આ ગ્રંથનું જ્ઞાન સૂર્યના સારથી અરુણએ લંકાધિપતિ રાવણને આપ્યું હતું. આ ગ્રંથ જન્મકુંડળી, હસ્તરેખા તેમજ સામુદ્રિક શાસ્ત્રનું મિશ્રણ છે.

રાવણ સંહિતા :- આ ગ્રંથમાં રાવણના જીવન સાથે જોડાયેલી દરેક વાતનું વર્ણન કરાયું છે. રાવણ સંહિતા રાવણના સંપૂર્ણ જીવન વિશે જાણકારી આપે છે. આ સાથે જ તેમાં જ્યોતિષ શાસ્ત્ર સંબંધિત જાણકારીઓ પણ મળે છે. આ સિવાય રાવણએ દસ શતકાત્મક અર્કપ્રકાશ, દસ પટલાત્મક ઉડ્ડીશતંત્ર, કુમારતંત્ર અને નાડી પરીક્ષાની રચના પણ કરી છે.