પાણીપુરી બની પત્નીના મૃત્યુનું કારણ, પતિ ઘરે પાણીપુરી લાવતા પત્નીએ કરી આત્મહત્યા…

News & Updates

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ‘પાણી પુરી’ મુદ્દે પતિ સાથેની લડાઈ બાદ 23 વર્ષીય મહિલાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે પતિ તેમને જાણ કર્યા વગર ‘પાણીપુરી’ ઘરે લાવ્યો હતો,

જ્યારે મહિલાએ પહેલેથી જ ખોરાક રાંધ્યો હતો, જેના પર તેમની વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે જણાવ્યું કે મહિલા પ્રતિક્ષા સરવડેએ 2019 માં ગહિનાથ સરવડે સાથે લગ્ન કર્યા હતા અને બંને ઘરેલુ મુદ્દાઓ પર ઝઘડો કરતા હતા.

ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ગયા શુક્રવારે, પત્નીને જાણ કર્યા વગર, તેનો પતિ ઘરમાં ‘પાણીપુરી’ લાવ્યો હતો. બંને વચ્ચે ઝઘડો થયો કારણ કે મહિલાએ પહેલેથી જ ભોજન રાંધ્યું હતું.

બીજા દિવસે મહિલાએ કથિત રીતે કોઈ ઝેરી પદાર્થનું સેવન કર્યું. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં રવિવારે તેનું મૃત્યુ થયું. ” પોલીસે સોમવારે મહિલાના પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો હતો.

મૃતકની ઓળખ પ્રતિક્ષા સરવડે તરીકે થઈ છે. તે તેના 18 મહિનાના બાળક અને પતિ સાથે અંબેગાંવના ઘરમાં રહેતી હતી. મહિલાના પિતાએ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો.