મુકેશ અંબાણી બની ગયા દાદા, આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણીએ આપ્યો પુત્રનો જન્મ

મનોરંજન

આજે ભારતના સૌથી ધનવાન વ્યકિત મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા બની ગયા છે. તેમના પુત્ર આકાશ અંબાણીના પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે પુત્રને જન્મ આપ્યો છે. 9 માર્ચ 2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમનાં લગ્ન દેશ-દુનિયામાં ચર્ચાયા હતા.

આકાશ અને શ્લોકા મુંબઈમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી વખતે મિત્રો બન્યાં હતાં. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લૉમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. બિઝનેસ વુમનની સાથે શ્લોકા એક સોશિયલ વર્કર પણ છે.

શ્લોકાએ ૨૦૧૫માં કનેક્ટ ફોર નામના એનજીઓની શરૂઆત કરી હતી. જે જરુરિયાતમંદોને શિક્ષણ, ભોજન અને ઘર ઉપલબ્ધ કરાવે છે. આકાશ અને શ્લોકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં રાખવામાં આવ્યું હતું. પ્રી-વેડિંગ સેલિબ્રેશન ત્રણ દિવસ ચાલ્યું હતું, જેમાં ઘણી નામાંકીત હસ્તીઓ સામેલ થઇ હતી.

આકાશ અને શ્લોકાના લગ્નનું આયોજન મુંબઈના બાન્દ્રા કુર્લામાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. હીરાના વેપારી રસેલ મહેતાનાં પુત્રી શ્લોકા અને આકાશ અંબાણી બાળપણના મિત્રો રહ્યાં છે. ત્રણ દિવસ ચાલેલા આ લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ સાથે અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

કોરોનાકાળ દરમિયાન દેશની મોટાભાગની કંપનીઓ આર્થિક મંદીનો સામનો કરી રહી હતી, ત્યારે રિલાયન્સ ગ્રુપ ભારે તેજીમાં રહ્યું. આ વર્ષમાં રિલાયન્સ જિયોએ પોતાની હિસ્સેદારી વેચી અંદાજે રૂ. 5 લાખ કરોડથી વધુની રકમ ઉભી કરી હતી. તેવી જ રીતે રીટેઇલ બિઝનેસમાં પણ પ્રવેશ કર્યો.

ગયા વર્ષે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે લગભગ રૂ. 620 કરોડમાં બ્રિટનની રમકડાની બ્રાન્ડ હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડ ખરીદી હતી. એ સમયે સોશિયલ મીડિયામાં લોકો મજાક કરતાં હતાં કે,  મુકેશ અંબાણી તેમના આવનારા પૌત્ર-પૌત્રી માટે અત્યારથી જ રમકડાં ભેગા કરી રહ્યા છે.

અંબાણી પરિવારના પ્રવક્ત્તાએ જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અને આશિર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણી આજે મુંબઇમાં એક બાળકના માતા-પિતા બની ગયા છે. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. નવા મહેમાનના આગમનથી અંબાણી પરિવાર ખુબ જ ખુશ છે. આકાશ અને શ્લોકોના લગ્ન દુનિયાભરના અખબારોમાં હેડલાઇનમાં ચમક્યાં હતા. આકાશ અને શ્લોકા સ્કૂલ ફ્રેન્ડ રહ્યાં છે. બંનેનું સ્કૂલિંગ ધીરુભાઇ અંબાણી સ્કૂલમાં થયું છે