કાશ્મીરી બાપુના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા, ફુલોની જેમ ઉડાડવામાં આવ્યા પૈસા…

તાજેતાજુ

ગિરનાર તળેટી જંગલમાં આવેલા આશ્રમના મહંત કાશ્મીરીબાપુનું ગઈકાલે 97 વર્ષની વયે અવસાન થયું હતું. પાર્થિવદેહને અંતિમદર્શન માટે રખાયા બાદ ભક્તો ઉમટી પડ્યા હતા. આજે બપોરના સમયે આશ્રમમાં જ શાસ્ત્રોક્ત વિધિ સાથે ભક્તો અને ગુરુઓની હાજરીમાં સમાધિ આપવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિત સંતો-મહંતો અને સેવકોની આંખોમાં આંસુ આવી ગયા હતાં.

કાશ્મીરી બાપુનું મુળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેવ હતું. તેઓ વર્ષોથી ગિરનાર તળેટી જંગલ વિસ્તારમાં આવેલ આમકુ ખાતેની જગ્યાના મહંત તરીકે લોકોની સેવા કરતા અને આશ્રમનું કામ કાજ કરતા હતા. કાશ્મીરી બાપુનો એક જ જીવનમંત્ર હતો “માનવ સેવા એ જ પ્રભુ સેવા”. આ મંત્રને સાર્થક કરવા માટે બાપુએ આશ્રમ ખાતે આવતા સેવકો, ભક્તો અને યાત્રાળુઓને ક્યારેય પ્રસાદી લીધા વગર જવા દીધા નથી.

સિદ્ધહસ્ત તરીકે લોકોમાં માનીતા અને પૂજનીય ગુરૂ કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ છેલ્લા ઘણા સમયથી ફેફસાની બીમારીમાં હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ ખસેડાયા હતા..થોડા દિવસ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા મળતાં તેઓને આશ્રમમાં લવાયા હતા.

કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કાશ્મીરી બાપુના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતિ.