કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ હતી છેલ્લા 10 વર્ષથી ફેફસાની ટ્રીટમેન્ટ લેતા હતા, આજે ૩ વાગ્યે સમાધિ આપવામાં આવશે

તાજેતાજુ

કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા હજારો ભક્તોમાં ઘેરો શોકની લાગણી છે. બ્રહ્મલીન કાશ્મીરી બાપુના અંતિમ દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. ત્યારે આજે સંતો-મહંતો અને ભક્તોની હાજરીમાં કાશ્મીરી બાપુને સમાધિ આપવામાં આવશે. આજે બપોરે 3 વાગ્યે કાશ્મીરી બાપુને સમાધિ આપવામાં આવશે અને સમાધિ આપ્યાના 3 દિવસ બાદ પરંપરા મુજબ જુવારવાનો કાર્યક્રમ પણ કરાશે.

કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ હતી અને છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે. કાશ્મીરી બાપુની વય વિશે અનેક માન્યતાઓ રહેલી છે, આમ છત્તાં તેઓ 97થી 100 વર્ષનાં હોવાનું લોકોનું કહેવું છે, તેવું તેમના સેવક પાસેથી જાણવા મળ્યું છે.

કાશ્મીરી બાપુ નિરંજની અખાડાનાં હોવાને લીધે અખાડાનાં આગેવાન સંત અને પ્રયાગરાજથી વાઘંબરી ગાદીના શ્રીમહંત બલવીરપુરીજી પણ સમાધિમાં હાજરી આપશે. આ ઉપરાંત મુંબઇના મહાલક્ષ્મીમાં હનુમાનજી મંદિરના શ્રીમહંત કેશવપુરીજી અને બાપુનાં ગુરૂભાઇ હરગોવિંદપુરીજી સહિતના સંતો-મહંતો સમાધિ સમયે ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળ્યું છે.