જાણો હોળી પર શા માટે ધાણી, ખજુર અને ચણા ખાવામાં આવે છે? જરૂર જાણો એનું કારણ.

આધ્યાત્મિક જાણવા જેવું

આપણી હિંદુ સંસ્કૃતિમાં ઘણા તહેવારો-ઉત્સવોનું ખુબ જ ખાસ મહત્વ હોય છે. દરેક ઉત્સવ તહેવારો પાછળ ધાર્મિક માન્યતાઓ રહેલી હોય છે. ઘણા તહેવારોમાં ઉપવાસ રાખવાની પણ પરંપરા માનવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે તહેવારોમાં ઉપવાસ અને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ રહેલો છે.

હોળીના દિવસે ‘પ્રહલાદ અને હોલિકા’ સાથે સંકળાયેલી દંતકથાને અનુલક્ષીને સાંજે ચાર રસ્તા કે કોઈ ચોક પર લાકડા, છાણાનો ઢગલો કરીને હોળી પ્રગટાવવામાં (હોળી દહન) આવે છે. હોળીની અગ્નિમાં ચણા, ધાણી, નારિયેળ હોમી, ખજૂર અને પાણી રેડીને પ્રદક્ષિણા કરવામાં આવે છે.

આવું કરવાથી અગ્નિના તાપની અસર શરીરમાં ખાસ કરીને ફેફસાં, સાયનસમાં કફ જમા થયેલો હોય તે પીગળી જાય છે અને સહેલાઈથી બહાર આવી શકે છે. હોળીના દિવસે સવારથી સાંજ સુધી માત્ર ધાણી- ચણા અને ખજૂર ખાવાની છૂટ રાખવામાં આવે છે. સાંજે હોળીના દર્શન પછી પરિવાર અને મિત્રો સાથે મિષ્ટાન્ન ખાવામાં આવે છે.

ચણા, ધાણી અને ખજૂર :- આસો મહિના દરમિયાન ખેતરોમાં ચણાના પાકને વાવી દેવામાં આવે છે. હોળીનો તહેવાર આવે ત્યાં સુધીમાં તે પાકીને એકદમ તૈયાર થઈ જાય છે. ચણા શરીરમાં જમા થયેલા કફની ચીકાશને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આયુર્વેદ મુજબ શેકેલા ચણા કફ, વાયુ અને થાકને દૂર કરે છે. કફ જામી ગયો હોય ત્યારે શેકેલા ચણા ખાવાથી કફ આંતરડા દ્વારા પચીને શરીરની બહાર નીકળી જાય છે.

કફને કારણે મોં માં સ્વાદ બગડી ગયો હોય, ભૂખ ન લાગતી હોય ત્યારે પણ ચણા મદદ કરી શકે છે એટલે કે ચણામાં સિંધવ, મરી, લીંબુ ઉમેરીને ખાઈ શકો છો. ચણા કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો સૉર્સ છે. મેંગેનીઝ, ફોલેટ અને પ્રોટીન, કોપર, ફોસ્ફરસ અને આયર્નનો શ્રેષ્ઠ સૉર્સ હોવાથી ગોળ સાથે ચણા હોળીના દિવસે ઉપવાસ દરમિયાન ખાવાની ખાસ સલાહ આપવામાં આવે છે.

જુવારની ધાણી :- જુવારની ધાણીમાં એન્ટિઓક્સિડન્ટની ઊંંચી માત્રા રહેલી છે. જુવારની ધાણી ઘણી રીતે ઘઉં કરતાં પણ સુપીરિયર છે. જુવારની ધાણીના ન્યુટ્રિશિયનની વાત કરવામાં આવે તો, જેમને ડાયાબિટીસ હોય અને જેમનું કોલેસ્ટ્રોલ લેવલ એલિવેટ થતું હોય તેમના માટે જુવારની ધાણી સર્વશ્રેષ્ઠ છે. ખાસ કરીને સ્પ્રિંગમાં જે લોકોને ખાંસીની સમસ્યા થતી હોય ત્યારે જુવારની ધાણીના સેવનથી શરીરમાં કફનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ખજૂર :- આર્યનથી ભરપૂર અને એનર્જીનો બેસ્ટ સોર્સ એટલે ખજૂર. ખજૂર શરીર માં એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. ખાસ કરીને જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે એનર્જી લેવલ જાળવી રાખવામાં ખજૂર ખુબ જ મદદરૂપ થાય છે. ખજૂરની કિંમત તમામ દર્દી કે વર્ગને પરવડે તેવી હોય છે.

ઠંડાઈ :- હોળીનો તહેવાર ઠંડાઈ (ભાંગ) વગર અધૂરો માનવામાં આવે છે. હોળીના દિવસોમાં પીરસવામાં આવતી ભાંગ કે ઠંડાઈ કે પછી લસ્સી એક ન્યુટ્રિશિયસ રિફ્રેશિંગ પીણું ગણાય છે. આ પીણામાં વરિયાળી, મગજતરીના બીજ (તરબૂચનાં બીજ), ગુલાબની પાંખડીઓ, મરી, એલચી, કેસર, દૂધ અને ખાંડ મિક્સ કરવામાં આવે છે. સામગ્રીમાં વધ-ઘટ કરીને કે અન્ય વસ્તુઓ મિક્સ કરીને ઠંડાઈ બનાવવામાં આવે છે. આ સિવાય ભાંગ કે ઠંડાઈમાં નટ્સ અને એરોમેટિક સ્પાઇસીસ મિક્સ કરવાથી એક મજેદાર રિફ્રેશિંગ પીણું બને છે.