ગત સિઝન સુધી IPLમાં 8 ટીમો ભાગ લેતી હતી. આગામી સિઝનમાં ટીમોની સંખ્યા 10 થશે. ટૂર્નામેન્ટ સાથે લખનૌ અને અમદાવાદની ફ્રેન્ચાઈઝી સંકળાયેલી છે. લખનૌ ફ્રેન્ચાઇઝીએ તેની ટીમનું નામ લખનૌ સુપર જાયન્ટ્સ રાખ્યું છે. હવે અમદાવાદે પણ તેનું નામ જાહેર કર્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, અમદાવાદ ફ્રેન્ચાઇઝી સત્તાવાર રીતે અમદાવાદ ટાઇટન્સ તરીકે ઓળખાશે . ટૂર્નામેન્ટની તમામ 10 ટીમો 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાનારી હરાજીમાં ખેલાડીઓને ખરીદશે.
અમદાવાદને CVC કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. તેણે હરાજી પહેલા ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, અફઘાનિસ્તાનના લેગ-સ્પિનર રાશિદ ખાન અને યુવા ભારતીય ઓપનર શુભમન ગિલને સામેલ કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક અને રાશિદને 15-15 કરોડ રૂપિયા આપ્યા હતા. તે જ સમયે, ગિલ 8 કરોડમાં ટીમનો ભાગ બની ગયો છે. ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂકેલ હાર્દિક ટીમનું સુકાન સંભાળશે. આ પહેલા હાર્દિકને લીગમાં એક પણ વખત કેપ્ટન બનવાની તક મળી નથી.
12 અને 13 તારીખે યોજાનારી મેગા ઓક્શનમાં અમદાવાદની ટીમ ઓછામાં ઓછા 22 વધુ ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વધુમાં વધુ 7 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. હરાજીમાં એક ટીમ પાસે 90 કરોડ રૂપિયા હશે. અમદાવાદે ત્રણ ખેલાડીઓના ડ્રાફ્ટિંગમાં 38 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેની પાસે હરાજીમાં ખેલાડીઓને ખરીદવા માટે 52 કરોડ રૂપિયા હશે.
2011ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમના મુખ્ય કોચ રહેલા ગેરી કર્સ્ટનને અમદાવાદ દ્વારા તેના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર આશિષ નેહરા ટીમના મુખ્ય કોચ છે અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડિરેક્ટર છે.