જયારે કોઈ સ્ત્રી માતૃત્વ ધારણ કરે છે ત્યારે તે માત્ર માતા જ નથી બનતી પરંતુ સાથે સાથે તેના પતિ ની જવાબદારી પણ વધી જાય છે. પતિ પત્ની બંને ને પ્રમોશન મળે છે અને તેઓ માતા પિતા બની જાય છે. આ જવાબદારી માથે આવે એ પહેલા કેટલીક બાબતો જરૂર જાણવી જોઈએ જેનાથી જીવનમાં ઓછી મુસીબત આવે.
જીવનમાં બાળકના આગમન થી માતા પિતાના જીવનમાં ખુશાલી આવે છે. તેનાથી ભલે માતામાં માનસિક, શારીરિક ફેરફાર સૌથી વધારે આવતા હોય પણ બાળકના પિતાના જીવનમાં પણ ઘણી બધી પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. કેટલાક માતાપિતા માટે આ બદલાવ ખુબ જ અચાનક અને અણગમતો હોય છે.
તેથી દરેક માતા પિતાએ ફેમિલી પ્લાનિંગ કરતા પહેલા આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા પતિ-પત્ની કેટલીક રીતે કેરલેસ રહે છે. જેમ કે તેમના સંબંધો, તેમના ખર્ચા, તેમની ખાવાપીવાની રીત વિગેરે. પણ બાળક આવતા જ આ બધું જ બદલાઈ જાય છે તેમણે એક જવાબદાર દંપત્તિ અને માતાપિતા બનવાનું હોય છે.
માટે જ માતાપિતા બન્યા બાદ જે મોટો ફેરફાર તમારા જીવનમાં આવનાર છે તેના માટે પહેલેથી જ તૈયાર રહો પછી તે તમારી બોલવાની રીત હોય, તમારી જીવનશૈલી હોય કે પછી તમારું ખર્ચાળ જીવન હોય. ચાલો જાણીએ બાળક પ્લાન કરતાં પહેલાં કપલ્સે કેવી બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
બચત કરવી : બાળક ના આગમન થી ખર્ચ વધે છે તમે બાળકોની જરુઇરિયત પૂરી કરી શકો એટલા સક્ષમ હોવા જોઈએ. જ્યારે તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોવ ત્યારે તમારે એ જાણી લેવું જોઈએ કે ભવિષ્યમાં તમારા ખર્ચા વધવાના છે અને તેને પહોંચી વળવા.
બાળકના સારા ઉછેર માટે તમારે અત્યારથી જ બાળક માટે બચત કરવી પડશે. માટે જ જે મોંઘેરી બ્રાન્ડેડ વસ્તુઓ પાછળ તમે ધૂમ રૂપિયા ખર્ચતા હોવ તેના પર અંકુશ મુકી દેવો અને બાળકના ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવાનું શરૂ કરી દેવું.
ઊંઘવાની આદતો સુધારવી : બાળક નાનું હોય ત્યારે રાત્રે જાગે અને દિવસે સુવે છે, તેથી બને તેટલી વધારે ઉંઘ લો કારણ કે નવજાત બાળકના ઘરમાં આવતાં જ તમારી રાતો દિવસ બની જશે અને તમારા દીવસો રાત બની જશે. એટલે કે તે જ્યારે જાગતું હશે,
ત્યારે તમારે જાગવું પડશે અને તે જ્યારે સુતું હશે ત્યારે તમારે પણ સુવું પડશે. ગમે ત્યારે રાત્રે ભર ઉંઘમાં તમને બાળકનું રુદન સાંભળવા મળશે. એક સારી ઉંઘ તો તમને બાળક અઢી ત્રણ વર્ષનું થશે ત્યાર બાદ જ મળશે.
ભાષા સુધારવી : બાળકો જેવું જોવે અને જેવું સાંભળે એવું જ સીખે છે. બાળકો તમને જેમ જુએ છે તેમ જ પોતાની જાતને ઘડે છે. તેમના માટે તમે જ તેમના આઇડલ છો. માટે તમારી પહેલાની આદત કે ગમે ત્યારે ગમે તેમ બોલી દેવું, કંઈ પણ બોલી દેવું,
અરે અપશબ્દો બોલવા આ બધા જ રુક્ષ ભાષાપ્રયોગને તમારે જાકારો આપવો જોઈએ, જેની અત્યારથી જ તમારે આદત કેળવવી. આ સિવાય તમારે તેમની કુમળી વયમાં હિંસા દર્શાવતા ચલચિત્રો જોવાનું પણ ટાળવું જોઈએ. આ રીતે બાળકના આવવાથી જીવનમાં ઘણા ફેરફારો આવે છે પરંતુ તેમ છતાં બાળકના આગમનથી જીવન માં ખુશાલી સર્જાય છે જીવન સુખમય બની જાય છે અને પતિ પત્ની ગર્વ અનુભવે છે જયારે તેઓ માતા પિતા બની જાય છે.