રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કમિશનબાજી અંગે હવે કોંગ્રેસ ભાજપ સરકાર ઉપર પ્રહારો કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ઉપરાંત અગ્રણી નેતાઓ હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધોરાજીના MLA લલિત વસોયા વગેરે અગ્રણીઓએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે.
જગદીશ ઠાકોરે તો ત્યાં સુધી કહ્યું છે કે ભાજપની સરકાર ચૂંટણીઓ માટે અધિકારીઓને પૈસા ઉઘરાવવા ટાર્ગેટ આપી રહી છે પરંતુ આ વખતે તેનું પાસુ ઉલટું પડી રહ્યું છે. , પોલીસ કમિશનર અગ્રવાલ નીતિન ભારદ્વાજના ઘરે જઇ પગે પડતા હતા એવું ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપ્યું છે.
આંતરિક વિખવાદ બહાર આવતા ભાજપના જ MLA ગોવિંદ પટેલના લેટરબોમ્બ પર કોંગ્રેસ હવે સરકાર સામે આકરા પાણીએ છે. રાજકોટના પોલીસ કમિશનર કમિશન લેતા હોવાના ગંભીર આક્ષેપ ખુદ ભાજપના જ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કરાયા છે. આ કેસમાં ભાજપના ધારાસભ્યએ જ તેમના પગમાં કુહાડી મારી છે.
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે હાલમાં ભાજપ સરકાર સામે ભાજપના જ રાજકોટના બે ધારાસભ્ય એમાં પણ એક મંત્રી અને રાજ્યસભાના સાંસદ ખૂલીને ભ્રસ્ટાચારનો આરોપ લગાવે છે તો ભાજપનો આંતરિક વિખવાદ સ્પષ્ટપણે જણાઈ રહ્યો છે. તેમ છતાં સરકાર એક્શનમાં આવતી નથી અને એના નીચલા અધિકારીને તપાસ સોંપી મામલો સગેવગે કરવા માંગે છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા એ સમયે આ કમિશનરની રાજકોટમાં પોસ્ટિંગ અપાય હતી.