દ્વારકામાં આવેલ આ મંદિર માંથી પરિણીત સ્ત્રી કંકુ લઈ જવાનું ક્યારેય ભૂલતી નથી…

ધાર્મિક

દ્વારકા યાત્રાધામ અને જ્યોતિર્લિંગ સોમનાથ વચ્ચે કોયલા ડુંગર પર આવેલું માતા હરસિધ્ધિ નું મંદિર જ્યારે પાંચ હજાર વર્ષ જૂનું હોવાની લોકવાયકા છે. દંતકથા પ્રમાણે કહેવામાં આવે છે કે દ્વારકામાં જ્યારે રાક્ષસોનો ત્રાસ વધ્યો ત્યારે ભગવાન દ્વારકાધીશને રાક્ષસોનો નાશ કરવા શક્તિની જરૂર પડી હતી. શક્તિના દાતા ભગવાન દ્વારકાધીશ ના કુળદેવી હરસિધ્ધિ માતાજીએ ભગવાન ના હથિયાર ભાલામાં શક્તિ રૂપે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશે રાક્ષસોનો સંહાર કર્યો હતો. ત્યારબાદ કોયલા ડુંગર પર ભગવાન દ્વારકાધીશે હરસિધ્ધિ માતાજીના આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

કોયલા ડુંગર પર બિરાજમાન હરસિધ્ધિ માતા જી નું મંદિર ડુંગર નીચે પણ આવેલું છે. જે 800 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર માટે કચ્છના વેપારી શેઠ જગડુશા ની કથા પણ જાણીતી છે. એક સમયે દુષ્કાળ હતો ત્યારે શેઠ જગડુશાના વહાણો અહીં દરિયાઈ માર્ગેથી પસાર થતા હતા.

જે સમુદ્રી તોફાનના કારણે ડૂબી ગયા હતા. ક્યારે શેઠ જગડુશાએ માતાજીને પ્રાર્થના કરી. ત્યારે માતાજીએ એના વહાણો ઉગારી લીધા હતા. આ ઘટના બાદ શેઠ જગડુશા અને તેમના પરિવારે ડુંગર નીચે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. એવું સ્થાનિક વેપારી દિનેશગીરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કોયલા ડુંગર ની આસપાસ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. આ મંદિર હાલમાં જામ ધર્માદા ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવે છે. અહીં દર્શનાર્થીઓની ચહલ-પહલ બારેમાસ રહે છે. સ્ત્રીઓ અહીં પોતાના સૌભાગ્યને લાંબી ઉંમર માટે દર્શન કરવા આવે છે. અહીંથી કંકુ લઈ જઈને પોતાના માથામાં સેંઠો પૂરે છે. અહીં આવતી દરેક પરિણિત સ્ત્રી કંકુ લઈ જવાનું ચૂકતી નથી.

કોયલા ડુંગર હરસિધ્ધિ માતાજીના મંદિરના દર્શન કરવા માટે 650  જેટલાં પગથિયાં ચઢવા પડે છે. હાલ પ્રવાસન વિભાગ તરફથી મંદિરના વિકાસ માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. તો જામસાહેબ દ્વારા પણ નવનિર્મિત મંદિરનું કામ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

એવું માનવામાં આવે છે કે હરસિધ્ધિ માતાજી સવારની આરતી ના સમયે હર્ષદ સ્થળે સાક્ષાત બિરાજેલા હોય છે. ઉપરાંત સાંજની આરતી ના સમયે વિક્રમ રાજાને આપેલા વચન મુજબ તેઓ સાક્ષાત ઉજજૈન ખાતે પધારે છે.